Loading

રાત ના એ ઘોર અંધારા માં, વીજળીઓ ના ઝબકારા વચ્ચે, અગણિત વિચારો ને વાગોળ્યા કરતા, સુહાસ તદ્દન સુનમુન થઇ ને બાંકડે બેઠો હતો. વિચારો ની એ બધી પ્રશ્નાવલ્લી ના જવાબો જાણે તેને આજે જ શોધી નાખવા હતા. “હું મારા નિર્ણયો લેવા માં ક્યાંક ખોટો તો નહોતો ને?”, “હું કિંજલ સાથે ભવોભવ ના સંબંધે બંધાયો હતો, તો અત્યારે આ રીતે પરિસ્થિતિઓ કઈ રીતે થઇ ગઈ?”, “કદાચ,…હું તેને જતા રોકી શક્યો હોત!”…

—- સુહાસ ને પ્રશ્નો ના જવાબ તો નથી મળતા, પણ મૂંઝવણ દિવસે ને દિવસે વધતી જ જાય છે—– (તે ઘર તરફ પ્રયાણ કરે છે અને જોવે છે કે તેના મમ્મી, પપ્પા અને બહેન બધાય સાથે બેસી ને TV જોઈ રહ્યા હોય છે અને તેને પણ સાથે બેસવા કહે છે.)

“ના, મારે થોડું કામ છે, હું હમણાં આવું” – તેવું કહી ને તેના રૂમ માં જઈ ને ચોધાર આંસુએ રડી મન હળવું કરે છે. બહાર થી સખત દેખાતો, હમેશા હસતો રહેતો, બધાનું ધ્યાન રાખતો સુહાસ અંદર થી સાવ એકલો જ પડી ગયો હતો. 

ઈચ્છા તો ઘણી થતી હોય છે કે કિંજલ ને ફોન કરી ને બે ઘડી વાત કરી લઉ, મન ની લાગણી નો એ પટારો એની સામે ખોલી દઉ, ઘણું બધું રડી લઉ, બધી વસ્તુઓ ની માફી માંગી લઉ, પણ આ બધું કેહવા માટે હવે જાણે બઉ જ મોડું થઇ ચૂક્યું હતું. વાત હવે છુટ્ટાછેડા સુધી પહોંચી ગઈ હતી.

રોજ ના રૂટિન ના જેમ જ મમ્મી એ જમવાનું ટિફિન, નાસ્તો, કપડાં, બધુંય તૈયાર કરી રાખ્યું હતું જે હમેશા સુહાસ ને જોઈતું હતું કે કિંજલ તેના માટે કરે.  

સુહાસ વિચારે છે કે કદાચ કિંજલ પણ મમ્મી ની જેમ જ બધું તૈયાર કરી રાખતી મારા માટે, બધા નું ધ્યાન રાખતી, બધા જોડે પ્રેમ થી રહેતી તો અત્યારે અમે અલગ થવાના રસ્તે ના ઉભા હોત.

ઓફિસ જઈ ને ટિફિન જમે છે તો એ જ મમ્મી ના હાથ નું સ્વાદિષ્ટ ભોજન, તો પણ કિંજલ ની બાળી ગયેલી, ક્યાંક ક્યાંક કાચી રહી ગયેલી એ ભાખરીઓ અને ક્યારેક તીખું તો ક્યારેક ખારું થઇ જતું કિંજલ ના હાથ નું જમવાનું તેને યાદ આવ્યા કરે છે.  

કિંજલ ને પિયર ગયે એક અઠવાડિયું જ થયું હતું પણ જાણે ઘર આખું સૂનું સૂનું લાગવા લાગ્યું હતું. રેખાબેન અને સુરેશભાઈ નો એક્નોએક દીકરો સુહાસ MNC માં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતો હતો અને તેના કિંજલ સાથે પ્રેમલગ્ન થયા હતા. અલગ અલગ વિચારસરણી ધરાવવાના કારણે કિંજલ નું ઘર માં આગમન બધાય ને ખટકતું હતું. કિંજલ પહેલે થી જ સ્વતંત્ર વિચાર વાળી, આખાબોલી, થોડી ગુસ્સા વાળી, પરંતુ અત્યંત લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતી હતી. તે ઘણી વાર બધા ની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવા જતી પરંતુ દરેક વખતે નિષ્ફળ જ જતી. કિંજલ હમેશા સુહાસ ને કહેતી પણ સુહાસ એ જ કહેતો કે બધાય ને તારા માટે ખુબ જ પ્રેમ અને આદર છે, તું ધીરે ધીરે ઘર ના માળખા માં સેટ થઇ જઈશ, હું છું ને તારી સાથે તો ચિંતા શુ કામ કરવાની?!!!

સ્નેહા ને તો તે તેની બહેન ની જેમ જ રાખતી પણ સ્નેહા, સુહાસ ની નાની બહેન હોવા છતાં પણ હંમેશા કિંજલ ને નીચું જ દેખાડ્યા કરતી. રેખાબેન અને સુરેશભાઈ પણ કિંજલ ને પારકા ની જેમ જ ગણતા હતા. ક્યારેય પ્રેમ થી વાત જ નહિ, એ જ તોછડાઈ થી વાત કરવાની, કામ માં ભૂલો નીકળવાની, ખરુંખોટું સંભળાવવાનું, અને સુહાસ ઓફિસ થી ઘરે આવે ત્યારે કિંજલ ની બુરાઈ કર્યા કરવાનું. 

કિંજલ પોતાનો આખાબોલો સ્વભાવ અને સ્વતંત્ર જીવનશૈલી ક્યાં સુધી દબાવી ને રાખતી! અને તે દિવસે પણ કંઈક એવું જ બન્યું. 

સ્નેહા અને રેખાબેન બન્ને થઈને કિંજલ ને ટોકી રહ્યા હતા, “ભાભી, હવે તો તમે પિયર રહેવા જવાના ને? તમારા મમ્મી ને કહેજો કે આ વખતે તમને જમવાનું બનાવતા શીખવાડી દે સરખું.”

કિંજલ થી હવે ના રહેવાયું અને તે બોલી ગઈ કે, “સ્નેહાબેન, મને બીજું કઈ આવડે કે ના આવડે પણ કોઈને હેરાન કઈ રીતે કરવું એ તમારા પાસે થી જરૂર થી શીખવું પડશે.”

સ્નેહા ને આવ્યો ગુસ્સો અને તે તેના પૂજનીય એવા ભાભી ને બોલી ગઈ કે તમારા જેવા ભાભી ના લીધે મારા ભાઈ ની જિંદગી નર્ક બની ગઈ છે, તમારા કરતા તો મારો ભાઈ કુંવારો રહેતો તો સારું હતું. 

અને પછી? પછી શું, કિંજલ એ જોરદાર તમાચો આપી દીધો સ્નેહા ના ગાલ ઉપર. રેખાબેન તે જ ઘડી સુહાસ ને ફોન કરી ઘરે બોલાવે છે. 

વાત ને એ રીતે પ્રસ્તુત કરે છે કે વાંક બધો કિંજલ નો જ આવે. સુહાસ કિંજલ ને ઘર છોડી જતું રહેવા કહી દે છે. સ્વમાન બચાવીને કિંજલ પણ ઘરે થી નીકળી જાય છે. 

હવે બધા ને શાંતિ લાગે છે, પણ સુહાસ? તે તો કિંજલ ની યાદો માં જ રાચ્યા કરે છે. કિંજલ ની બાજુ ને સાંભળ્યા વગર જ સુહાસ એ નિર્ણય લીધો હતો. પાછો જાય તો પણ ક્યા મોં થી જાય. કિંજલ ના ગયા પછી ના તો ત્યાં થી કોઈ ના જ ફોન કે મેસેજ કે શુ બન્યું છે. 

સવાર માં ઓફિસ જતી વખતે સુહાસ તેના મમ્મી અને સ્નેહા ની વાત સાંભળી જાય છે. 

“મમ્મી, સારું થયું હવે ભાઈ ના છૂટાછેડા થઇ જશે પેલી પાસે થી હવે છૂટશે.”

“હા સ્નેહા, હવે શાંતિ થી મારા છોકરા ના લગન કોઈ સંસ્કારી છોકરી સાથે કરાવીશ. કિંજલ તો સાવ નકામી હતી. પેલે દિવસે સારું થયું કે તે એને ઉશ્કેરી અને આ બધું બન્યું, નઈ તો ખબર નઈ ક્યાં સુધી એને સહન કરવી પડતી આપડે.”

ત્યાં જ સુહાસ આવે છે અને એકદમ ગંભીર અવાજે પૂછે છે, “શુ થયું હતું તે દિવસે?”

કોઈ જ કઈ જ બોલતું નથી. 

સુહાસ ફરી થી પૂછે છે, “કોઈ મને કહેશે કે શુ થયું હતું તે દિવસે?”

સ્નેહા રડતા રડતા બધી વાત જણાવે છે. વાત સાંભળતા જ સુહાસ એક જ શબ્દ બોલે છે તેની મમ્મી અને સ્નેહા માટે, “શરમજનક”….

—– તે ભાગતો જાય છે કિંજલ ના ઘરે એને પાછી લાવવા માટે———–

કિંજલ તો જાણે સુહાસ ની રાહ માં જ હોય છે. બંને જણા મળે છે, ઘણી બધી વાતો કરે છે, ભૂલો ની માફી માંગે છે, અને કિંજલ ને ઘરે આવવા માટે કહે છે. 

કિંજલ ને સુહાસ ઘરે લઈને આવે છે અને ઘર ના બધા હવે કિંજલ ના આગમન ને ઉત્સવ ની જેમ મનાવે છે. 

તે દિવસે સાચા અર્થ માં ઘર ની લક્ષ્મીજી નો પ્રવેશ થયો હોય છે. 

Like
17
0 Shares:
4 comments
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
Gujarati Fiction Story - Ek Mek Na Sathidar - Mindshelves.com
Read More

એકમેકના સાથીદાર: ભાગ 2 – પ્રેમ અને પડકારોના સંઘર્ષ

એકમેકના સાથીદાર: ભાગ 1 નો સારાંશ આરવ, એક મહેનતુ અને મહત્ત્વાકાંક્ષી યુવાન, પોતાનાં ગામથી અમદાવાદની એક કોલેજમાં અભ્યાસ…
Lagni - Mindshelves.com - Bijal Shah
Read More

લાગણી – Lagani

“પાપા, હવે આપડે સ્વાતિ ને કોઈ માનસિક રોગ ના ડૉક્ટર ને બતાવવું જોઈએ” – લાગણી થી ભરપૂર, ચિંતા…