“સાંભળીને બેસ”, “સાચવીને ચાલ”, “જોઈને ખાજે”, “પડી જઈશ”, “રસ્તો સાચવી ને ઓળંગજે” – આવા કઈ કેટલાય ઠપકાઓ જે વિરાજ ના પાપા નિલેશભાઈ અટકેનેટચકે તેને આપતા જે વિરાજ ને આજે ખુબ જ યાદ આવે છે.
આકરી બપોર ના એ હોસ્પિટલ થી ઘર સુધી નું માંડ ૧૦ મિનિટ જેટલું અંતર પણ વિરાજ કાપી શકતો નથી અને રસ્તા ના એક બાંકડે જઈને બેસી જાય છે.
વિરાજ તેના છોકરા કેવિન કે જે હોસ્પિટલ માં ભરતી થયો છે તેના માટે પોતાને જવાબદાર ગણાવે છે. કેવિન એ વિરાજ નો ૫ વર્ષ નો દીકરો છે જે રોડ અકસ્માત માં ગંભીર ઇજા પામ્યો અને અત્યારે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાય છે. વિરાજ તેના છોકરા ને કઈ જ ના થાય તેના માટે તો પ્રાર્થના કરે જ છે પણ સાથે સાથે તે તેના પિતા ને પણ ખુબ યાદ કરે છે કે જે તેને ટોકતા અને મુશ્કેલી આવતા પેહલા જ ચેતવી દેતા.
તેને પોતે જયારે ૧૫ વર્ષ નો હતો તે યાદો તાજી થવા લાગે છે, કદાચ તે જાતે જ ભૂતકાળ ને વાગોળે છે કે કેવું તેના પાપા તે પોતે કઈ ભૂલ કરે તે પેહલા જ તેને સચેત કરી દેતા કે, “વિરાજ, તું બહાર જાય છે પણ ૮ વાગ્યા પેહલા ઘરે આવી જજે”, અને હું હમેશા અકળાઈ જતો કે હા હવે પણ હું એટલો પણ નાનો નથી કે તમે મને વારંવાર ટોક્યા કરો, આવી જઈશ જલ્દી ઘરે હું.
જયારે પણ હું bike ચલાવું ત્યારે ત્યારે મને કેહતા કે શાંતિ થી ચલાવજે, ઉતાવળ ના કરતો, થોડું મોડું થશે તો કઈ થઇ નહિ જાય અને વગેરે વગેરે…
અને, કેવિન જયારે એકાદ-બે વર્ષ નો હતો ત્યારે પણ કહ્યા કરતા કે કેવિન જો કઈ ગમેતે ખાઈ ના જાય, એને કઈ વાગી ના જાય, અને ક્યાંક તે પડી ના જાય, કામ પછી કરજો પેહલા કેવિન ને સાચવવામાં ધ્યાન આપો.
“સાચે માં આ મારી જ બેદરકારી છે કે કેવિન આજે આ પરિસ્થિતિ માં છે. હું તેને બહાર લઇ ને તો ગયો પણ હું કેવી રીતે ભૂલી ગયો કે તે નાનું બાળક છે, ગમે ત્યાં જતું રહે મારે ધ્યાન રાખવાનું હોય. હું મારા મિત્ર ને મળવામાં એટલો ખોવાઈ ગયો કે મને ધ્યાન જ ના રહ્યું કે ક્યારે કેવિન ફુગ્ગાવાળા ને જોઈને દોડ્યો અને અચાનક…”
ત્યાં જ વિનોદભાઈ જે વિરાજ ના પાડોશી છે તે વિરાજ ને ઘરે જવા માટે કહે છે. “વિરાજ, કઠોર સમય છે જાણું છું પણ અત્યારે તું ઘરે જા કેમ કે ઘરે પણ બધા ને તારી જરૂર છે. કેવિન ને સારું થઇ જ જશે, ભગવાન ઉપર શ્રદ્ધા રાખ, ચાલ હું તને ઘરે મૂકી જાઉં, ઉભો થઇ જા હવે.”
કહેવાય છે ને, “પેહલો સગો પાડોશી” – બાકી બધા સગા-સબંધીઓ પછી આવશે, સમયે સમયે તમને તમારા પાડોશીઓ જ પેહલા કામ લાગશે.
ઘરે જઈને જોવે છે તો શ્વેતા કે જે વિરાજ ના પત્ની છે તે સુનમુન કેવિન નો photoframe લઇ ને બેઠેલા હોય છે. વિરાજ ના મમ્મી અલ્કાબેન અખંડ પાઠ કરવામાં લાગેલા હોય છે અને વિરાજ તેના સ્વર્ગસ્થ પિતા ના ફોટા સામે જઈને ઉભો રહે છે.
આંસુઓ થી ભરેલી આંખો થી પિતા સાથે વાતો કરે છે કે, “પાપા, તમે તો બહુ સારા પિતા બન્યા કે તમારા આશ્રય માં મને ક્યારેય આ રીતે હોસ્પિટલ જવું નથી પડ્યું. પણ હું, …હું તે કેવો બાપ બન્યો કે મારા નજર સામે મારા છોકરા ના થતા અકસ્માત ને હું ના બચાવી શક્યો! આજે મને સમજાયું કે કેમ તમે મને હમેશા રોકતા અને ટોકતા કે ધ્યાન રાખ. કઈ પણ ખરાબ થાય તે પેહલા જ તમે અમને સજાગ કરી દેતા. કઈ કેટલીય વસ્તુઓ કે અનહોનીઓ માં અમારું માર્ગદર્શન કરવા ના કારણે જ ટળી ગઈ હતી. અમને તે વખતે તેવું લાગતું કે તમે ટોકો છો કે નકારાત્મક બનો છો, પણ ખરેખર માં તો તમે અમારું ખરાબ ના થાય એટલા માટે ચેતવતા રહ્યા અને અમે તમને અવગણતા રહ્યા. કેટલા ખોટા હતા મારા વિચારો અને મારુ વલણ તમારા પ્રત્યે નું!!!”
“ધવલ સાથે પૈસા ની લેવડદેવડ કરવા ની બાબતે મેં તમારી જોડે કેટલો ઝગડો કર્યો હતો કે એ મારો ભાઈબંધ છે અને એને જરૂર છે તો હું આપું. તમે મને કેટલું લડ્યા હતા અને એ પછી તો હું તમારા થી વાતો છુપાવવા પણ લાગ્યો હતો. પણ, જયારે ધવલ ના આડા કામો વિશે જાણવા માંડ્યું ત્યારે ખબર પડી કે તમે જે કઈ પણ કેહતા હતા તે ખરેખર માં સાચું જ હતું. હું ક્યાંક ને ક્યાંક મોટી મુશ્કેલી માંથી બચી ગયો હતો. પણ, તમને આ વિશે કઈ વાત કરું તે પેહલા જ…ખરેખર માં, પિતા તે પિતા હોય છે તે મને આજે સમજાય છે. “
વિરાજ ના રડવાનો અવાજ સાંભળી ને અલ્કાબેન બહાર આવે છે અને શ્વેતા પણ મૌન છોડી ને વિરાજ પાસે દોડી આવે છે.
વિરાજ કહે છે કે, “મમ્મી, આજે પાપા હોત તો આવું ના થતું ને. પાપા કેટલું ધ્યાન રાખતા આપડા બધા નું. એ બધા ને ટોકતા જે ગુસ્સો અપાવતું ઘણી વાર પણ તે ટોકવાનું નહોતું, એ તો આપડા ને સાવચેત કરતા. હું કેમ આ બધું ત્યારે ના સમજી શક્યો? પાપા તો આપડી સાથે નથી પણ હું ક્યાંક મારા બાળક ને પણ ના ખોઈ બેસું.” – વિરાજ પોતાને સંભાળી નથી શકતો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે.
“વિરાજ, તારી વાત તો સાચી છે કે તારા પાપા તને ટોકતા નહોતા, તે બસ સાવચેત કરતા કે ક્યાંક કઈ ખોટું ના થઇ જાય. હતા તો બાપ જ ને, ચિંતા થતી હોય ને પોતાના બાળક ની અને તેના ભવિષ્ય ની. પણ, એમાં તારો પણ વાંક નથી, એ ઉમર જ એવી હોય કે ત્યારે ના સમજાય અને જયારે બાપ બની ને સમજાય ત્યારે સ્વીકારી ના શકાય. અને જયારે સ્વીકારવાની હિમ્મત આવે ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હોય. પણ તું ચિંતા ના કર કઈ જ, ભગવાન માં વિશ્વાસ રાખ, કેવિન ને સારું થઇ જ જશે. આવ, મારી સાથે આવી જાઓ.”
લગભગ ૨ કલાક જેવું અલ્કાબેન, વિરાજ, અને શ્વેતા ભગવાન ની સેવા-પૂજા કરે છે, અને થોડી જ વાર માં હોસ્પિટલ જવાનો સમય થાય છે. આ સમય એવો હોય છે કે જે ના તો ભૂખ કે ના તરસ કઈ જ સુઝાડે.
ત્રણેય જણા હોસ્પિટલ પહોંચી અને ડૉક્ટર ને ઓપેરશન વિશે પૂછે છે તો ખબર પડે છે કે ઓપેરશન સફળ રહ્યું છે અને કેવિન જલ્દી જ સારો થઇ જશે.
દસેક દિવસ ની એ આકરી જંગ ખુબ જ નાની ઉમર માં કેવિન લડી ને જીતે છે અને ઘરે સાજોસમો પાછો આવે છે.
તે દિવસે તો ઘર માં એક અલગ જ રોનક છવાઈ જાય છે. ભગવાન શ્રી સત્યનારાયણ દેવ ની પૂજા માં કેવિન ને બેસાડી ને ઘર ની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના થાય છે.
વિરાજ એક પિતા બન્યા પછી પોતાના સ્વર્ગસ્થ પિતા ની મન ની વ્યથાઓ, વેદનાઓ, વાચાઓ, અને વિડંબણાનો ને સમજી શકવામાં સમર્થ બને છે. અને તેને એ વાત નો પસ્તાવો થાય છે કે તે જીવતેજીવ તેના પિતા ને ના સમજી શક્યો.
અંતે, વિરાજ નક્કી કરે છે કે મારા ને મારા પિતા વચ્ચે જે ગેરસમજ રહેતી હતી, તે મારા અને મારા દીકરા કેવિન વચ્ચે હું ક્યારેય નહિ થવા દઉં.
તો મિત્રો, તમે આમ થી શું બોધપાઠ લીધો? તમારો દૃષ્ટિકોણ અમારા સાથે કોમેન્ટ સેકશન થી જરૂર થી જણાવજો.
શ્રી સત્યનારાયણ દેવ કી જાય!
અમારી બીજી ગુજરાતી વાર્તા પણ વાંચતા રહો, અને તમે પણ અમારા બ્લોગ પ્લેટફોર્મ ઉપર વાર્તા મૂકી શકો છો!
1 comment
Very good Bijal 👌😊